જમણવાર :- પંગત ,ટેબલ અને બુફે

“પંગત” માં જમણવાર

આજની પેઢી ને કદાચ “પંગત” ની વાખ્યા સમજાવી પડશે!!
“પંગત” એટલે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાંની તૈયારીઓ પણ ગજબની હોતી. 
અગાઉના દિવસથી જ મહોલ્લો, વાડી કે એવી કોઈ મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી. 
હા. પહેલાં આજની જેમ રસોઈયો આખી મંડળી લઈને ના આવતો. એ એકલો જ એનાં ઓજારો સાથે આવે. બાકીનું કામ કુટુબીજનો અને મહોલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા. 
રાત પડે એટલે ચૂલા સળગે. લાકડાં જાડાં કે હવાયાં હોય એટલે સૌ પહેલાં તો આખી વાડી ધૂમાડાના ગોટેગોટાથી ભરાઈ જાય. તો પણ આંખો ચોળતાં ચોળતાં અડગ રહીને કામ કરવાનું. 
અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય. કોઈ શાકભાજી સુધારે, કોઈ લસણ ફોલે, કોઈ સૂરણ, મરચાં ઠીક કરતું હોય. બાળકો ઉત્સાહમાં વાસણો સાફ કરીને ગોઠવતાં હોય. એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય. ચા, પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ખેંચાતી હોય, સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી-નરસી ઘટનાઓની વાતો થતી હોય. હસીમજાક અને ગમ્મતનો પાર ના આવે. અને ભજીયા અને ચા તો ખરા જ,
સૌથી પહેલાં તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે. ખાસ કરીને લાડુ જ હોય. લાડુ માટે પહેલાં મુઠીયા બનાવી તેલમાં તળવાં પડે. પછી એને ભાંગવાનાં. આજની જેમ મિક્સર નહોતાં. એટલે યુરિયા ખાતરની થેલીઓ ધોઈને સાફ કરી રાખી હોય. એમાં ભરીને એકજણ મોંઢિયું પકડી રાખે. પછી એ થેલીને પથરા ઉપર રાખીને બે જણા સામસામે ધોવાના ધોકા વડે મંડી પડે. ધબ્બ ધબ્બ ધબ્બ ધબાકાથી વાડી આખી ગાજતી હોય. એમાંય ધીબાકા દેનારાને શૂરાતન માતું ન હોય. આવા સમયે ભૂલથી પણ બે ધોકા સામસામે સહેજ પણ ટકરાઈ ના જાય તેવું perfaction
વાડીમાં રાત્રે નાસ્તા માટે ભજીયાં બનાવવામાં આવે. કડાઈમાં તળાતાં ભજીયાંની સુગંધ ચારેબાજુ ફેલાય એટલે આઘાપાછા થયેલા “કામચોરો” પણ રસોડા પાસે ટોળે વળવા માંડે. જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય. એવા માણસો સૌથી પહેલાં ચાખે, ખાય અને એક બે ખોટ તો કાઢે જ.. 
“થોડી મેથી ઓછી પડી..”
આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ગોટા ને મરચાં ઝાપટવાની જે મજા પડતી એની તો શી વાત કરવી. અમુક તો રીતસરના હરીફાઇમાં ઉતરે. એમાંને એમાં બે-ત્રણ દિવસનો પૂરવઠો ભેગો કરી લેતા. પછી ભલેને સવારે ડબલાં ઉપર ડબલાં ભરવાં પડે. હા, જાજરૂની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથવગું હથિયાર હતું. 
રાત્રે મોટા ભાગનું કામ પતી જાય. પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થાય. પીરસવાવાળાની ટુકડીઓ પડે. દાળ, ભાત, શાક, ફુલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે. એમાંય લાડુ માટે તો ખાસ માણસોની પસંદગી કરવામાં આવે. ચર્ચા વિમર્શ કરવામાં આવે. 
અને આમ લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય. એક ટુકડી રસોડામાંથી બધું ભરી આપવા ખડેપગે હોય. પંગતમાં કોઈને શું જોયે છે, શું ખૂટે છે, એ તપાસવા માટેના પણ સ્પેશ્યાલિસ્ટો હોય. પાંચ-સાત જણા એવા તો પહેલાંથી જ નક્કી હોય. નાનાં છાકરાં પોતાની રીતે પાણીની ડોલો જ ગૉતી લ્યે. એમનું કામ પાણી આપવાનું.
ટુકડીઓ, વાસણો, પાથરણાં બધું જ રેડી થઈ જાય. પછી મહેમાનો આવવાનું ચાલુ થાય. 
જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ એક-બીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબરઅંતર પૂછતા જાય. પછી જેને જ્યાં ઠીક લાગે ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય. લાઈનોની જગ્યા પૂરી ભરાઈ જાય એટલે બહાર સ્ટોપ કરવાવાળા પણ ઉભા હોય. વાડીની જાળી આડી કરીને કે હાથ આડા કરીને બાકીનાને પંગત પૂરી થાય ત્યાં સુધી બહાર સ્ટોપ કરી દેવામાં આવે. 
ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું. બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બન્ને લાઈનમાં નીકળી પડે. સૌથી પહેલાં લાડુ હોય. પછી શાક, ફુલવડી, દાળ વગેરે હોય. ભાતનો વારો તો છેલ્લે આવે. 
લાડુ પીરસનારો હોંશિયાર હોય. જમનારનું મોંઢું જોઈને જ સમજી જાય કે અહીંયા કેટલું ખપશે. અને એ પ્રમાણે એક, બે કે ત્રણ લાડુ થારી માં મૂકતો જાય. પીરસવાની ઝડપ પણ ગજબની હોય. 
પંગતમાં ધ્યાન રાખનારા પાછા સૂચનાઓ આપતા જાય-
પંગતનો જમણવાર બરાબરનો જામ્યો હોય. એય ને દાળના સબડકા બોલતા હોય.. લાડવાનું બટકું ને શાકનું પીતું ભેગું કરીને મોંમાં મમળાવતા હોય.. મીઠી વાતોચીતો થતી હોય.. બધા મોજથી જમતા હોય… એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હોં..ઘણા બધા છોકરા
છોકરીઓ ના “સગપણ” આમ જમતા-જમતા થઇ જતા.અડધા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય. પાછળ ને પાછળ લાડવાની તાસ ફરતી હોય. પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીં જોવા મળે. વડીલો એક પછી એક એમ તમામને લાડુ સીધો મોંમાં જ મૂકતા આવે. કોઈપણ જાતની આનાકાની અહીં ચાલે જ નહીં. 
આમ છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરી કરીને લાડુ ખવડાવવામાં આવે.
પંગતમાં વહેલાં મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેસે. અને લગભગ બધા સાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી. ફાળિયાનો છેડો, પટકો, કે ખેસના છેડે હાથ મોં લૂછતા લૂછતા સૌ બહાર નીકળે. ત્યાં તો એઠાં પતરાળા લેવાઈ જાય, સફાઈ થઈ જાય, અને ફરીથી વ્યવસ્થા થઈ જતાં બીજી પંગત શરૂ થાય. 
*****************
મિત્રો, આવી હતી પંગતની વાસ્તવિકતા. જેમાં ભાઈચારો, સહકાર, આત્મિયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર, જેવી બાબતો વણાયેલી હતી. એકબીજાની સાથે બેસીને હોંશથી જમવાની જે મોજ હતી એનું વર્ણન જ ન થઈ શકે. 
પંગત એટલે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા. મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈપણ વસ્તુ માટે ઊભા થવું ન પડે. દરેક વસ્તુ એના ભાણાં સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી. કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે એનો ખ્યાલ પંગતમાં આવી જતો. 
દરેક પંગતની આગવી વિશેષતા હતી. એનો અલગ માહોલ હતો. એની અલગ મજા હતી. પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જમ્યા જેટલો આનંદ લેવાનો અવસર હતો. પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું. પછી આવી ટેબલ-પાટલા system જેમાં બધુજ “પંગત” system ની જેમ follow થતુ.
આજના “બુફે” યુગમાં “પંગત” એક ઈતિહાસ બની ગઈ છે. આજે જમણવારમાં જમવાની આઈટમો અનેકગણી વધી ગઈ છે, પરંતુ જમવાનો સંતોષ અને મજા ઘટી ગઈ છે. આવનારા સમયમાં “પંગત” હમેશાં હમેશાં માટે ઈતિહાસના પાનાઓમાં અદ્રશ્ય થઈ જાય તો નવાઈ નહીં. 
“બૂફેનો જમાનો આવ્યો, નથી બેસતી હવે પંગત. 
સંગતમાં તો હર કોઈ છે, પણ કોને કહવું અંગત..? “
મિત્રો, આપણે નસીબદાર છીએ કે પંગતનો પ્રેમ અને બુફેનું બખડજંતર બન્ને જોઈ-માણી શક્યા છીએ. ચાલો, જમાના પ્રમાણે બધું બરાબર છે. છતાં પંગત એ તો પંગત જ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s