ગણપતિ વિસર્જન મારી દ્વષ્ટિએ!!

ગણેશોત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાડ લડાવે છે પણ બહુ ઓછા જાણતા હશે કે ગણેશોત્સવ બાદ ભગવાન ગણપતિને વિસર્જિત કેમ કરવામાં આવે છે. તો ચાલો…આજે આપણે ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે તે જોઈએ.

આપણા ધર્મગ્રંથમાં જણાવાયું છે કે ભગવાન વેદવ્યાસે મહાકાવ્ય મહાભારતની રચના કરી પરંતુ એ મહાકાવ્યનું લેખન શક્ય બનતું ન હતું. એટલે એમણે ગણપતિનું આહ્વાન કર્યું અને લેખન માટે વિનંતી કરી. લેખન દિવસ-રાત ચાલે તેમ હતું અને તે દરમિયાન અન્ન-પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવું પડે તેમ હતું. આમ કરવાથી ગણેશજીના શરીરનું તાપમાન ન વધે તે માટે વેદ વ્યાસજીએ ગણનાયક ગણપતિના શરીર ઉપર માટીનો લેપ લગાડી દીધો. તેમણે ભાદરવા સુદ ચોથના રોજ પૂજા કરી દિવ્ય મહાકાવ્ય મહાભારતના લેખનની શરૂઆત કરી. માટીના લેપને કારણે વિનાયકનું શરીર અકડાઈ ગયું. ત્યારથી તેઓ પાર્થિવ ગણેશ કહેવાયા છે.
.
મહાભારતનું લેખનકાર્ય દસ દિવસ સુધી એટલે અનંત ચતુદર્શી સુધી ચાલ્યું. વેદવ્યાસજીએ ગણેશજી તરફ જોયું. ત્યારે તેમને લંબોદરના શરીરનું તાપમાન ઘણું વધુ જણાયું હતું. તે ઓછું કરવા અને શરીર પરથી માટીનો લેપ દૂર કરવા પાર્વતીપુત્રને પાણીમાં પધરાવી દીધા. ભગવાન વેદવ્યાસજીએ ૧૦ દિવસ સુધી ગણેશજીને ભાવપૂર્વક મનગમતું ભોજન કરાવ્યું. આમ આ રીતે પાર્થિવ ગણેશની સ્થાપના, પૂજન, અર્ચન, આરાધન અને દસ દિવસના અંતે વિસર્જનની પરંપરા શરૂ થઇ.
.
બીજી એક માન્યતા મુજબ ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિના દેવ પણ માનવામાં આવે છે. એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યનાં મસ્તિષ્કમાં અધિકાંશ તરલ ભાગ જ છે. આ માટે પણ ગણપતિને ગણેશોત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ જ ગણપતિનું નિવાસસ્થાન માનવામાં આવે છે.
.
શાસ્ત્રો મુજબ પણ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન જળમાં જ થવું જોઈએ. ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળનાં થોડાંક ટીપા અને શેષ શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનુ વિસર્જન કરો તો તે શાસ્ત્રોક્ત રીતે માન્ય છે.
.
શું તમામ મૂર્તિનું વિસર્જન અનિવાર્ય છે?
.
હું એ સ્પષ્ટ કરી દઉં કે “વિસર્જન કઈ મૂર્તિનું ના કરવું જોઈએ”. મોટેભાગે એવું જોવામાં આવ્યું છે કે અજ્ઞાનતાને કારણે ઘણા ભક્તો અસ્થાયી મૂર્તિની સાથે સાથે પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિનું પણ “વિસર્જન” કરી નાખે છે. આવું ક્યારેય ના કરવું. પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાં પ્રાણ હોય છે. આ મૂર્તિમાં તમે તમારા સ્થાયી દેવતાના દર્શન કરતા હોવ છો, માટે સમયાંતરે તેમાં આપની ઈચ્છા અનુસાર દેવતા પ્રવાહિત થતા હોય છે. દેવતા તમારા વશમાં હોય છે. જયારે તમે તેને જમાડો છો ત્યારે જમે છે. સ્નાન કરાવો છો ત્યારે સ્નાન કરે છે. વસ્ત્રો પહેરાવો છો ત્યારે વસ્ત્ર પહેરે છે. હવે જો તમે તેમનું વિસર્જન કરી નાખો તો એ મૂર્તિમાં જ તેમનું મૃત્યુ થઇ જાય છે અને પછી તેઓ એ મૂર્તિની અંદર તમારા વશમાં રહેતા નથી. માટે ક્યારેય પણ સ્થાયી અને અચલ મૂર્તિનું ખંડિત ના થઇ જાય ત્યાં સુધી વિસર્જન ના કરવું.
.
ગણપતિની મૂર્તિનું વિસર્જન કેમ?
.
ગણપતિ ઉત્સવમાં સ્થાપિત કરવામાં આવતી અસ્થાયી મૂર્તિમાં દેવતા આવાહિત થતા હોય છે. માટે મૂર્તિનું વિસર્જન કરતા પહેલા દેવતાને મૂર્તિની બહાર નીકળીને પોતાના સ્થાને જવા માટે કહેવામાં આવે છે. આને “ઉસ્થાપના વિધિ”કહેવામાં આવે છે. દેવતાને પાછા વળતા પહેલા તેમને યથા યોગ્ય રીતે વંદન કરીને જ પાછા વાળવા જોઈએ.
.
ભલે ગમે તેટલા વિધિ વિધાનથી “ઉસ્થાપના” કરવામાં આવેલી હોય તેમ છતાં તેમાં ત્રુટી રહેવાની પૂરી સંભાવના હોય છે. એવું શક્ય છે કે મૂર્તિની ઉસ્થાપના સરખી રીતે ના થઇ હોય અને દેવતા હજી પણ તેમાં બિરાજમાન હોય. અથવા તો એવું પણ થઇ શકે છે કે સાધક એ મૂર્તિ સાથે એટલી ભાવનાત્મક રીતે જોડાયેલો હોય કે તે દેવતાને એ મૂર્તિમાંથી નીકળીને સ્વધામ મોકલવા માટે તૈયાર જ ના હોય. માટે “ઉસ્થાપના વિધિ”થી તે અલિપ્ત રહેતો હોય એવું બને. આવી પરિસ્થિતિમાં દેવતા મૂર્તિમાં જ રહી જાય છે. આ સમયે સમસ્યા થઇ શકે છે.
.
પહેલી સમસ્યા તો એ કે દેવતાઓને અકારણ જ બાધિત રાખવું યોગ્ય નથી. કાર્ય સમાપ્ત થતા જ તેમને મુક્ત કરી દેવા જોઈએ.

અને બીજું એ કે ભક્ત કોઈપણ હોઈ શકે છે. તેની ઈચ્છાઓ કંઈપણ હોઈ શકે છે. કોઈ નથી જાણતું કે ક્યાં ઉદ્દેશ્યથી એ ભક્તે દેવતાનું આવાહન કરેલું છે. એવું પણ બની શકે કે કોઈ દુષ્કૃત્ય કરવાના કે વિનાશ કરવાના ઉદ્દેશ્યથી પણ આવાહન કરવામાં આવ્યું હોય. અને જો એવું ના પણ હોય તો પણ કોઈ પણ સાંસારિક કાર્ય સદાયને માટે શુભ કે અશુભ રહે એવું જરૂરી નથી હોતું. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ કોઈ નથી જાણતું. અને વળી એક કામ કોઈ એક વ્યક્તિ માટે શુભ હોય શકે છે તો બીજા માટે એ જ કામ અશુભ પણ હોય શકે છે. આપણે તો એ પણ નથી જાણતા કે એ જ કાર્ય એ જ ભક્ત માટે ભવિષ્યમાં શુભ રહેવાનું છે કે અશુભ.
.
માટે મૂર્તિ કોઈ બીજાના સંપર્કમાં ના આવે અને યજમાનના સ્વયંના પણ સંપર્કમાં આગળ જતા ના આવે માટે તેનું વિસર્જન આવશ્યક છે.
.
દેવતા ભક્તની ઈચ્છાને હોવાને કારણે જ્યાં સુધી મૂર્તિમાં રહે છે, ત્યાં સુધી પોતાનું નિર્દેશિત કાર્ય કરતા રહે છે. તેઓ શુભ-અશુભનો વિચાર નથી કરતા. શુભ-અશુભનો વિચાર કરવો એ દેવતાઓનું કામ પણ નથી. આ વિચાર કરવાનો અધિકાર માત્ર મનુષ્યને જ મળેલો છે.
.
માટે શાણપણ એમાં જ છે કે પોતાના કાર્યની સિદ્ધિ કર્યા પછી મૂર્તિને વિસર્જિત કરી દેવામાં આવે કે જેથી જો હજી પણ તેમાં દેવતા સ્થિત હોય તો મૂર્તિ જળમાં વિલીન થતાની સાથે જ દેવતા સ્વધામ પહોચી જાય અને કોઈ હાનિ થાય નહિ.
.
આ જ કારણ છે કે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે અસ્થાઈ મૂર્તિને માટીથી બનાવવાનું વિધાન છે. આજકાલ બનાવવામાં આવતી POPની મૂર્તિઓ ઇકો-ફ્રેન્ડલી તો નથી જ હોતી પણ શાસ્ત્ર સમર્થિત પણ નથી હોતી. આ મૂર્તિઓ પાણીમાં વિલીન ન થવાને કારણે વિસર્જન અધૂરું રહી જાય છે. માટે અસ્થાયી મૂર્તિ માટે હંમેશા માટીની મૂર્તિનો જ આગ્રહ રાખવો.
.
ગણેશજી વિસર્જન વખતે ઘણા સિનેમાના ગીતોના તાલ પર DJના ઘોંઘાટ સાથે નાચે છે. આ સિનેમાના ગીતો મોટાભાગે અશ્લીલ હોય છે. યુવાનો વિચિત્ર ચેનચાળા કરીને નાચતા હોય છે. આમાંથી કેટલાય લોકોએ દારૂ પીધો હોય છે. આથી ધાર્મિક હાનિ થાય છે. ખરેખર તો આ સિનેમાના ગીતો અને ગણેશોત્સવને કાંઈ સંબંધ છે ખરો? ગણેશજીની સાત્ત્વિક મૂર્તિ સામે આવા વિકૃત નૃત્ય કરીને શું મળશે? આ રીતે શું ગણેશજી પ્રસન્ન થશે ખરાં? હિંદુઓને ધર્મશિક્ષણ ન હોવાથી આમ બને છે.
.
ગણેશ વિસર્જન સમયે નાચવું હોય તો ભગવાન માટે નાચીએ છીએ તેવો ભાવ રાખીને એટલે કે રાસલીલાના સમયે શ્રીકૃષ્ણ માટે ગોપીઓ જેવી રીતે ભાવમય થઈને નાચ્યા હતા તેવી રીતે ભાવમય થઈને નાચો. ભાવમય થઈને નાચવાથી ‘ભાવ ત્યાં દેવ’ એ વાક્ય પ્રમાણે દરેક ગોપીને તેના શ્રીકૃષ્ણ મળ્યા. તેમના જેવો ભાવ રાખીને ગણેશ વિસર્જન સમયે નાચીએ તો નાચનારાઓને ગણેશજીના અસ્તિત્વની અનુભૂતિ થશે.

અત્યાર ના સમય માં નેતા બાળ ગંગાધર તિલક કે જેમને આધુનિક ગણેશ મહોત્સવ ને ઘરે ઘરે થી માંડી સાર્વજનિક મહોત્સવ બનાવવા માં મોટો ફાળો છે . અંગ્રેજો ની ગુલામી માં કાયદા મુજબ ૫ થી વધારે લોકો એ એકત્ર થવા પર મનાઈ હતી પણ સાર્વજનિક પ્રસંગો અને મૃત્યુ સમયે એમાં છુંટ મળતી એનો ફાયદો ઉઠાવવા “ગણેશ મહોત્સવ “ના આયોજન કરવા માં આવતા જેથી ક્રાંતિકારી ભેગા થઈ શકે ,

આજની ૨૧ મી સદી ની પેઢી આ વારસો આગળ વધારે અને મોબાઈલ ના instareal અને facebook શિવાય પણ આવા સાર્વજનિક પ્રસંગો માં યોગદાન આપે એવી આશા સહ !!!

જય ગણેશ ..

“અથાગ” ( વાંચેલા લેખો અને જાત અનુભવ પરથી)

ગૌરી વ્રત (જવારા વ્રત ) પહેલા અને આજે

સામાન્ય જન માનસ માં ગૌરી વ્રત ભવિષ્ય માં સારા પતિ અને પરિવાર મળે એની ઈચ્છા રાખવા માટે કરાય છે. જે આદિ અનાદિ કાળ થી સમાજ સાથે જોડાયેલી છે . તો આજ ના સમય અને એની પાછળ ભૂતકાળ માં જોડાયેલી પ્રથા સમજીયે

આ વ્રત નાની બાળકીઓ કરતી હોય છે, જેમાં બાળકીઓ ને પૂજા અર્ચના કરાવડાવે છે , પાંચ દિવસ સંયમ રાખીને પોતે લીધેલું વ્રત ક્યારેય તૂટવું ના જોઈએ તે શીખવે છે.

આ વ્રત દીકરીઓમાં એક સ્ત્રી તરીકે જન્મ્યા હોવાના શુભ એહસાસ ની સાથે સાથે એમનામાં તપ , સંયમ , શણગાર , ભક્તિ અને સમર્પણ ની ભાવના જગાવે છે ,પાંચ દિવસના વ્રત માં તેમનામાં આપોઆપ સઁસ્કાર સિંચન થઇ જાય છે.

આ વ્રત સમાજમાં દરેક વર્ગના લોકો કરતા હોવાથી એક ભાવનાત્મક જોડાણ ઉભું કરે છે

ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્ર માં માટીમાં જવારા નાખીને તેને ઉગાડીને પૂજવાની પ્રથા છે, જે કુદરત ને, અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે , તેમજ ચોમાસાની ઋતુ માં જવારા માંથી ઉગતા ગોરો નાની બાળાઓ માં કૌતક પણ સર્જે છે તે બીજ માંથી વૃક્ષ બનવાની પ્રક્રિયાનો અનુભવ જાતે નિહાળે છે અને પોતાના માં રહેલી સ્ત્રી શક્તિ નો પહેલો અનુભવ નો અહેસાસ થાય છે.

પરંતુ આજે આ બધું ખોવાતું જાય છે. ઘરે માટીના કુંડા કે વાસણ માં વાવવા માં આવતા “જવારા ” redymade લારીઓ પર વેંચતા થઇ ગયા છે. ઈડલી કે ઢોંસા ના ઇન્સ્ટન્ટ મિક્સ ની જેમ લાવતા જવારા માં કુદરતી વિજ્ઞાન અને દીકરી ની સમજ શક્તિ પર breck લાગી ગઈ.

પહેલા થતા જાગરણ માં પવિત્ર કથાઓ ,રામાયણ અને મહાભારત ના પાત્રો,સારા પુસ્તકો અને હળીમળી સામાજિક રમતો થકી આધ્યત્મિક ગુણો,સામાજિક એકતા ,અને મહાન પુરુષો ની જીવન ચરિત્રો નું જ્ઞાન મળતું જે આજકાલ movie કે cartoon chanel જોઈ અથવા ગાડી માં બહાર જઈ ઇન્સ્ટન્ટફરાળી નાસ્તો કરી ને જાગરણ ને ઉજાગરા નું સ્વરૂપ આપી દીધું

ઉપવાસ , જાગરણ વૈજ્ઞાનિક અભિગમ મુજબ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને પેટની હોજરી ને આરામ મળે છે, જાગરણ એટલા માટે કરી શકાય કે વિકટ પરિસ્થિતિમાં કે કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેમની સંભાળ રાખવા માટે જાગવુ પડે ત્યારે ઊંઘ ઉપર કન્ટ્રોલ કરી શકાય છે.

સામાજિક  વ્યવસ્થા બદલાઈ છે તો તેમાં પણ પરિવર્તન  લાવી વ્રત ની સાથે શિક્ષણ ને મહત્વ આપીએ , એકલું વ્રત કરી બધું નસીબ અને ભગવાન પર છોડી દે એ દીકરીઓ અત્યાચાર , શોષણ સહન કરે અને એ ક્યારે બહાદુર ફુલનદેવી , રણના મેદાન માં લલકારનારી રાણી લક્ષ્મી બાઈ ,વાયુસેના માં જોડાયેલ દીકરીઓકે કલ્પના ચાવલા જેવી અંતરિક્ષ માં જઈ શકે કે પછી ઓલમ્પિક માં મેડલ લાવનાર દીકરીઓ ક્યારે ના બની શકે….

આવા વ્રત કરવાથી અને સાથે સમજ પૂર્વક અભ્યાસ કરવાથી સારો પતિ મેળવીને તમે મામલતદાર, કલેક્ટર, ટીચર, નર્સ , પી.આઈ, કોન્સ્ટેબલ , વિજ્ઞાનિક, પાયલોટ, બની શકશો અને તમે સ્વતંત્ર રીતે તમારો જીવનસાથી પસંદ કરી શકશો અને તમારુ ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે .

જ્યારે તમારી દીકરીને કોઈ છોકરો જોવા આવશે ત્યારે એવુ નહી પૂછે કે તમારી દીકરીએ કેટલા વ્રત કર્યા છે..? પણ એ જરૂર પૂછશે કે તમારી દીકરી કેટલુ ભણેલી છે….?શિક્ષણ અને આવડત પ્રમાણે training આપીબાળકીઓને પ્રોત્સાહન આપો કેમ કે જે સ્ત્રીઓમાં સમજણ છે તે જ સ્ત્રીઓ સુખી છે બાકી વર્ષો સુધી વ્રતો કરનારી અને  પરિવર્તન નહિ સ્વીકાર નારી સ્ત્રીઓ આજે પણ #દુઃખી છે….

જમણવાર :- પંગત ,ટેબલ અને બુફે

“પંગત” માં જમણવાર

આજની પેઢી ને કદાચ “પંગત” ની વાખ્યા સમજાવી પડશે!!
“પંગત” એટલે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાંની તૈયારીઓ પણ ગજબની હોતી. 
અગાઉના દિવસથી જ મહોલ્લો, વાડી કે એવી કોઈ મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી. 
હા. પહેલાં આજની જેમ રસોઈયો આખી મંડળી લઈને ના આવતો. એ એકલો જ એનાં ઓજારો સાથે આવે. બાકીનું કામ કુટુબીજનો અને મહોલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા. 
રાત પડે એટલે ચૂલા સળગે. લાકડાં જાડાં કે હવાયાં હોય એટલે સૌ પહેલાં તો આખી વાડી ધૂમાડાના ગોટેગોટાથી ભરાઈ જાય. તો પણ આંખો ચોળતાં ચોળતાં અડગ રહીને કામ કરવાનું. 
અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય. કોઈ શાકભાજી સુધારે, કોઈ લસણ ફોલે, કોઈ સૂરણ, મરચાં ઠીક કરતું હોય. બાળકો ઉત્સાહમાં વાસણો સાફ કરીને ગોઠવતાં હોય. એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય. ચા, પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ખેંચાતી હોય, સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી-નરસી ઘટનાઓની વાતો થતી હોય. હસીમજાક અને ગમ્મતનો પાર ના આવે. અને ભજીયા અને ચા તો ખરા જ,
સૌથી પહેલાં તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે. ખાસ કરીને લાડુ જ હોય. લાડુ માટે પહેલાં મુઠીયા બનાવી તેલમાં તળવાં પડે. પછી એને ભાંગવાનાં. આજની જેમ મિક્સર નહોતાં. એટલે યુરિયા ખાતરની થેલીઓ ધોઈને સાફ કરી રાખી હોય. એમાં ભરીને એકજણ મોંઢિયું પકડી રાખે. પછી એ થેલીને પથરા ઉપર રાખીને બે જણા સામસામે ધોવાના ધોકા વડે મંડી પડે. ધબ્બ ધબ્બ ધબ્બ ધબાકાથી વાડી આખી ગાજતી હોય. એમાંય ધીબાકા દેનારાને શૂરાતન માતું ન હોય. આવા સમયે ભૂલથી પણ બે ધોકા સામસામે સહેજ પણ ટકરાઈ ના જાય તેવું perfaction
વાડીમાં રાત્રે નાસ્તા માટે ભજીયાં બનાવવામાં આવે. કડાઈમાં તળાતાં ભજીયાંની સુગંધ ચારેબાજુ ફેલાય એટલે આઘાપાછા થયેલા “કામચોરો” પણ રસોડા પાસે ટોળે વળવા માંડે. જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય. એવા માણસો સૌથી પહેલાં ચાખે, ખાય અને એક બે ખોટ તો કાઢે જ.. 
“થોડી મેથી ઓછી પડી..”
આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ગોટા ને મરચાં ઝાપટવાની જે મજા પડતી એની તો શી વાત કરવી. અમુક તો રીતસરના હરીફાઇમાં ઉતરે. એમાંને એમાં બે-ત્રણ દિવસનો પૂરવઠો ભેગો કરી લેતા. પછી ભલેને સવારે ડબલાં ઉપર ડબલાં ભરવાં પડે. હા, જાજરૂની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથવગું હથિયાર હતું. 
રાત્રે મોટા ભાગનું કામ પતી જાય. પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થાય. પીરસવાવાળાની ટુકડીઓ પડે. દાળ, ભાત, શાક, ફુલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે. એમાંય લાડુ માટે તો ખાસ માણસોની પસંદગી કરવામાં આવે. ચર્ચા વિમર્શ કરવામાં આવે. 
અને આમ લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય. એક ટુકડી રસોડામાંથી બધું ભરી આપવા ખડેપગે હોય. પંગતમાં કોઈને શું જોયે છે, શું ખૂટે છે, એ તપાસવા માટેના પણ સ્પેશ્યાલિસ્ટો હોય. પાંચ-સાત જણા એવા તો પહેલાંથી જ નક્કી હોય. નાનાં છાકરાં પોતાની રીતે પાણીની ડોલો જ ગૉતી લ્યે. એમનું કામ પાણી આપવાનું.
ટુકડીઓ, વાસણો, પાથરણાં બધું જ રેડી થઈ જાય. પછી મહેમાનો આવવાનું ચાલુ થાય. 
જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ એક-બીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબરઅંતર પૂછતા જાય. પછી જેને જ્યાં ઠીક લાગે ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય. લાઈનોની જગ્યા પૂરી ભરાઈ જાય એટલે બહાર સ્ટોપ કરવાવાળા પણ ઉભા હોય. વાડીની જાળી આડી કરીને કે હાથ આડા કરીને બાકીનાને પંગત પૂરી થાય ત્યાં સુધી બહાર સ્ટોપ કરી દેવામાં આવે. 
ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું. બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બન્ને લાઈનમાં નીકળી પડે. સૌથી પહેલાં લાડુ હોય. પછી શાક, ફુલવડી, દાળ વગેરે હોય. ભાતનો વારો તો છેલ્લે આવે. 
લાડુ પીરસનારો હોંશિયાર હોય. જમનારનું મોંઢું જોઈને જ સમજી જાય કે અહીંયા કેટલું ખપશે. અને એ પ્રમાણે એક, બે કે ત્રણ લાડુ થારી માં મૂકતો જાય. પીરસવાની ઝડપ પણ ગજબની હોય. 
પંગતમાં ધ્યાન રાખનારા પાછા સૂચનાઓ આપતા જાય-
પંગતનો જમણવાર બરાબરનો જામ્યો હોય. એય ને દાળના સબડકા બોલતા હોય.. લાડવાનું બટકું ને શાકનું પીતું ભેગું કરીને મોંમાં મમળાવતા હોય.. મીઠી વાતોચીતો થતી હોય.. બધા મોજથી જમતા હોય… એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હોં..ઘણા બધા છોકરા
છોકરીઓ ના “સગપણ” આમ જમતા-જમતા થઇ જતા.અડધા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય. પાછળ ને પાછળ લાડવાની તાસ ફરતી હોય. પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીં જોવા મળે. વડીલો એક પછી એક એમ તમામને લાડુ સીધો મોંમાં જ મૂકતા આવે. કોઈપણ જાતની આનાકાની અહીં ચાલે જ નહીં. 
આમ છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરી કરીને લાડુ ખવડાવવામાં આવે.
પંગતમાં વહેલાં મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેસે. અને લગભગ બધા સાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી. ફાળિયાનો છેડો, પટકો, કે ખેસના છેડે હાથ મોં લૂછતા લૂછતા સૌ બહાર નીકળે. ત્યાં તો એઠાં પતરાળા લેવાઈ જાય, સફાઈ થઈ જાય, અને ફરીથી વ્યવસ્થા થઈ જતાં બીજી પંગત શરૂ થાય. 
*****************
મિત્રો, આવી હતી પંગતની વાસ્તવિકતા. જેમાં ભાઈચારો, સહકાર, આત્મિયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર, જેવી બાબતો વણાયેલી હતી. એકબીજાની સાથે બેસીને હોંશથી જમવાની જે મોજ હતી એનું વર્ણન જ ન થઈ શકે. 
પંગત એટલે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા. મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈપણ વસ્તુ માટે ઊભા થવું ન પડે. દરેક વસ્તુ એના ભાણાં સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી. કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે એનો ખ્યાલ પંગતમાં આવી જતો. 
દરેક પંગતની આગવી વિશેષતા હતી. એનો અલગ માહોલ હતો. એની અલગ મજા હતી. પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જમ્યા જેટલો આનંદ લેવાનો અવસર હતો. પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું. પછી આવી ટેબલ-પાટલા system જેમાં બધુજ “પંગત” system ની જેમ follow થતુ.
આજના “બુફે” યુગમાં “પંગત” એક ઈતિહાસ બની ગઈ છે. આજે જમણવારમાં જમવાની આઈટમો અનેકગણી વધી ગઈ છે, પરંતુ જમવાનો સંતોષ અને મજા ઘટી ગઈ છે. આવનારા સમયમાં “પંગત” હમેશાં હમેશાં માટે ઈતિહાસના પાનાઓમાં અદ્રશ્ય થઈ જાય તો નવાઈ નહીં. 
“બૂફેનો જમાનો આવ્યો, નથી બેસતી હવે પંગત. 
સંગતમાં તો હર કોઈ છે, પણ કોને કહવું અંગત..? “
મિત્રો, આપણે નસીબદાર છીએ કે પંગતનો પ્રેમ અને બુફેનું બખડજંતર બન્ને જોઈ-માણી શક્યા છીએ. ચાલો, જમાના પ્રમાણે બધું બરાબર છે. છતાં પંગત એ તો પંગત જ…

સ્મશાન માં “દુણી ” કેમ ઘરે થી લઇ જવાય ??

બહુ જ ઓછા માણસોને ખબર હશે કે શ્મશાનમા મૃતદેહને બાળવા માટે અગ્નિ ઘરેથી શા માટે લઈ જવાય છે જાણો

આપણા પુર્વજો રૂષિ મુનિઓએ આપેલી આ પરંપરા આજે પણ આપણે અમલ કરીએ છીએ.
વાત એમ છે કે જુના જમાનામા જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયાને સપ્તપદી બોલાવામા આવતી અને મંગળના ચાર ફેરા (૧) કામનો, (૨) અર્થનો (૩) ધર્મનો અને (૪) મોક્ષનો. ફેરવવામાં આવતા.
મોક્ષના ફેરામાં સ્ત્રી પોતાના પતિને આગળ અને પોતે પાછળ ચાલે છે. જે અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય છે તે અગ્નિ બુઝાવા નહોતા દેતા. તે જાન પરણીને વિદાય થાય ત્યારે વર પક્ષવાળા તે અગ્નિ માટીના દોણામા ભરીને લઈ જતા. પછી પતરાના ચોરસા ફાનસ આવ્યા અને અત્યારે કોરો ધાકોડ દીવડો આવ્યો જ્યારે જાન પરણીને ઘરે પહોચે ત્યારે તે અગ્નિમા એકાદ બે અગ્નિ જીવીત
રહેતા. તે અગ્નિ ઉપર છાણાનો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવતા. તે અગ્નિમા રસોઇ પકવીને ખાતા. પાછો અગ્નિ ચુલામા રાખથી ભંડારતા. સવારે પાછો અગ્નિ જીવીત કરતા. તેમ આ જીવન ચાલતુ. જ્યારે માણસ મ્રુત્યુ પામે ત્યારે એ જ અગ્નિ પાછો દોણામા ભરીને લઈ જવાય છે અને તે અગ્નિથી અગ્નિ દાહ આપાય છે.
મુત્યુ પછી ચાર વિસામા એ જ છે
(૧) ઘરને આંગણે, (૨) ઝાપા બહાર, (૩) ગાયના ગોંદરે અને (૪) શમશાન ઘર.
કામ, અર્થ, ધર્મ અને મોક્ષના આ વિસામા છે. એ જ ચાર પ્રદિક્ષણા છે. પગથી પાછા વળવાની એટલા માટે કે જીવ શિવમા ભળી ગયો. તે શિવ બની ગયો માટે શિવના ચરણ ન ઓંળગી શકાય.
જળ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને વાયુ. આ પાંચ તત્વ પોત પોતામા ભળી જાય છે. તેને ભગવાનમા મલીન થયા કહેવાય છે. હવે તેના દર્શન કરવા હોય તો શિવાલયે જવાનુ. દીવાના દર્શને એટલા માટે જાય છે
આત્મા અમર છે, જીવ મરતો નથી. જળ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને વાયુ. પોતપોતામા ભળી જાય છે, જ્યાથી તે આવ્યો હતો. એનો એ અર્થ કે માણસ મરતો જ નથી. પરંતુ ફરક એ છે તમે જે રૂપમા જોયો હતો તે રૂપમાં હવે નથી.
ભગવાન શબ્દનો અર્થ
ભ એટલે ભુમિ
ગ એટલે ગગન
વા એટલે વાયુ અને
ન એટલે નીર.

મતલબ “પ્રકુતિ એ જ ભગવાન” “અથાગ”

લગ્ન ની વિધિઓ અને તેના કારણો !

. *‼ !!卐!! શ્રી ઞણેશાય નમઃ !!卐!! ‼*

! લગ્ન ની વિધિઓ!

લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર પ્રકાશ પાડ્યો છે.

લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ જરૂરી છે. વરરાજા જ્યારે પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે લાકડાના બનાવેલો નાનો રવઈયો, મુશળ ધુંસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે ? શું રહસ્ય છે ? તેમજ બીજી વિધિઓનો શું અર્થ હોય છે ?

*‼ !!卐!! લગ્ન !!卐!! ‼*
બે વિજાતીય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક

કરવા, એનાથી પ્રેમ પ્રગટે, આત્મીયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરું લગ્ન છે.

‼ *વરઘોડો :* ‼
ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.

‼ *પોંખણું :* ‼
વરરાજા પરણવા આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાના રવઈયો, મુશળ, ધુંસરી અને તરાકથી સાસુ પોંખેં છે તેનો અર્થ જોઇએ..

‼ *રવઈયો :* ‼
માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવવામાં આવે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે.

‼ *મુશળ :* ‼
અતિ વાસનાઓને મુશળ (સાંબેલા)થી ખાંડી નાખી પ્રેમ પ્રગટાવવાનો છે.

‼ *ઘુંસરી :* ‼
સંસાર રૂપી રથના પતિ પત્ની રૂપી બે ચાલકો છે, આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો જ સુખી થવાય છે તેમ કહેવા માગે છે.

‼ *તરાક :* ‼
લગ્ન જીવન રેટિંયા જેવું છે. પતિ પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક (ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે એમ કહેવાનો ભાવ છે. આમ પોંખવા આવનાર સાસુ વરને માંયરામાં આવતા પહેલા સાવધાન કરે છે એનો જવાબ વર સંપુટ તોડીને આપે છે.

‼ *સંપુટ :* ‼
વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માંયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહીં ભાંગીને ભુક્કો કરું છું હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.

‼ *વરમાળા :* ‼
ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.

‼ *હસ્તમેળાપ :* 🤝🏼 ‼
લગ્ન વિધિનું આ મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર (ગ્રહણ) કરે છે. આ વિધિને પાણિગ્રહણ ૫ણ કહે છે અને એથી થતો હસ્તમેળાપ હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને હૈયામાં આત્મીયતા પ્રગટે છે. સાથો સાથ જાનૈયા માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

*‼ !!卐!! મંગળ ફેરા !!卐!! ‼*
*લગ્નના ચાર ફેરા એ ચાર પુરૂષાર્થના ફેરા છે :* ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.. એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે.

‼ *પ્રથમ ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ:* ‼
(૧) ધર્મ-ધર્મ પાળવો અને પળાવવો.
(૨) અર્થ-ગૃહસ્થ જીવન ચલાવવા ધન કમાવું.
(૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો. આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને તેને પત્ની અનુસરે છે.
(૪) ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.
થોડાં વિસ્તારથી સમજીએ તો….

‼ *(૧) ધર્મ :* ‼
સ્ત્રીના પિયરમાં ગમે તે પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં સબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો… વગેરે ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળવાના છે.

‼ *(૨) અથર્થ :* ‼
પતિ કમાઈને પૈસા લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. સ્ત્રી લક્ષ્મી કહેવાય છે. ઘરની લક્ષ્મી પણ આપણે કહીએ છીએ.

‼ *(૩) કામ :* ‼
સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે. લગ્ન જીવન માટે વંશવૃદ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે. આ ત્રણેય… ધર્મ, અર્થ અને કામ એ પતિ પત્નીની ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે. જ્યારે ચોથો ફેરો…

‼ *(૪) મોક્ષ:* ‼
એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા શુશ્રૂષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ વગેરે ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે. પતિ, સાસુ, સસરા, વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા, મમતા – આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધે જ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.

‼ *!!卐!! મંગલાષ્ટક !!卐!!* ‼
લગ્નવિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવદંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓનો આશીર્વાદ આપે છે.

‼ *રામ દીવડો :* ‼
કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે. આનાથી એ એમ કહેવા માંગે છે કે….
*હે દીકરી !* તેં તારી સેવા, શુશ્રૂષા અને સદ્‍ગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અજવાળજે.

‼ *મા માટલું :*‼
માતાનો પ્રેમ, માતાની મમતા, માતાનો જીવ અજોડ છે. તેના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતીકરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા, મીઠાઈને માટલામાં ભરે છે. આમાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ વગેરે પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીકરૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે.

‼ *સપ્તપદી :* ‼
આ શ્લોકો બ્રાહ્મણ બોલતા હોય છે, એના દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના વચન અપાય છે.

‼ *સપ્તપદીના સાત વચનો* ‼
લગ્ન તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતીક છે… સપ્‍તપદી
જેમાં કન્‍યા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓમાં….

‼ *સપ્‍તપદીની પ્રથમ પ્રતિજ્ઞામાં* વધુ આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે ગત જન્મમાં પોતે કરેલા અસંખ્‍ય પુણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્‍ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્‍વ ગણે છે અને આ સૌભાગ્‍યના પ્રતીક પોતાના કપાળે ચાંલ્‍લો કરવાનું શરૂ કરે છે.

‼ *સપ્‍તપદીની બીજી પ્રતિજ્ઞામાં* વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે, તેમજ ઉપલબ્‍ધ સાધન સંપન્‍નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહી પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. તદ્ઉપરાંત તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે, જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે જે સરવાળે સમગ્ર પરિવારને નુકશાનકર્તા નીવડે.

‼ *સપ્‍તપદીની ત્રીજી પ્રતિજ્ઞામાં* કન્‍યા તેના પતિની આમન્‍યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્‍યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે.

‼ *સપ્‍તપદીની ચોથી પ્રતિજ્ઞામાં* વધુ સારા શણગાર-શૃંગાર સજી મન, ભાવ, વિચારવાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર વગેરે સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે છે. આથી સ્‍ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્‍દ્બ પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.

‼ *સપ્‍તપદીની પાંચમી પ્રતિજ્ઞામાં* કન્‍યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.

‼ *સપ્‍તપદીના છઠ્ઠી પ્રતિજ્ઞામાં* વધુ તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા-પિતાની સેવા કરશે તેમજ અન્‍ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્‍યેની જ નહી, પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્‍યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

‼ *સાતમી અને છેલ્‍લી પ્રતિજ્ઞામાં* કન્‍યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદ્ઉપરાંત ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે. આમ સપ્‍તપદીમાં કન્‍યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાત્રી આપે છે.

શાસ્ત્રોક્ત રીતે સપ્તપદીની વિધિ દ્વારા કન્યા દુલ્હારાજાનો પોતાના પતિ તરીકે સ્વીકાર કરે છે. બીજી રીતે જ્યાં સુધી સપ્તપદીની વિધિ પાર પાડવામાં ન આવે ત્યાં સુધી કન્યાને પરણેતર નહીં પણ કુંવારી જ માનવામાં આવે છે. લગ્નપ્રસંગ સામાજિક રીતે પરસ્પર એકબીજા સાથે સંબંધ બાંધતા બે પરિવારો માટે એક ઉત્સવ હોય છે. વર પક્ષ અને કન્યા પક્ષ એમ બે પરિવારો વચ્ચેના આ નવ સંબંધ દ્વારા એક નવું સામાજિક ઘુ્વીકરણ રચાય છે. વર-વધૂને માટે તો આ પ્રસંગ મહાઉત્સવ અને નવજીવનના મહાયજ્ઞ સમાન હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રી અને પુરુષ માટે લગ્ન સંબંધનું જોડાણ એ તેમનો બીજો જન્મ હોય છે. જેમાં પુરુષે અને સ્ત્રીએ એકબીજાના વ્યક્તિત્વને સમજી જાણીને પરસ્પર પ્રેમ દ્વારા એકમેક પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ પાર પાડવાની હોય છે. આ જવાબદારીઓને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સપ્તપદીની સાત શરતોમાં આવરી લેવાઈ છે. લગ્ન પ્રસંગે હસ્તમેળાપ બાદ વર અને વધૂ પવિત્ર અગ્નિ સમક્ષ સાત ડગલા ચાલીને પરસ્પર પ્રેમ દ્વારા એકબીજા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાના શપથ ગ્રહણ કરે છે. આ શાસ્ત્રોક્ત વિધિને સપ્તપદી એવું સુંદર નામ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. પ્રત્યેક સ્ત્રી અને પુરુષ માટે લગ્ન જોડાણ બાદ સુમેળભર્યા જીવન નિર્વાહ માટે આ વિધિ અત્યંત આવશ્યક છે.

*વિવાહ સંસ્કારથી* પવિત્ર વર-વધૂ પોતાના ગૃહસ્થજીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મદત્સર એ ષડ્ રિપુઓને વ્રતાચરણો દ્વારા મહાત કરીને બદલામાં પ્રેમ અને સંતોષ પ્રાપ્ત કરે છે એટલે જ લગ્ન દ્વારા મનુષ્યને ઋણમુક્ત થવાનું ધર્મશાસ્ત્ર સૂચવે છે. આ સંસ્કારનો હેતુ જીવને શુદ્ધ અને પવિત્ર બનાવવાનો છે. સદાચરણ અને સમ્યક્ ચારિત્ર્યથી સંસારને માણીને પુરુષે પોતાની પત્ની સાથે પરમપદને પંથે સંચરવાનું છે.

‼ *!!卐!! !!卐!!*

આપણો શબ્દવૈભવ*

*આપણો શબ્દવૈભવ* લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંઠ,નાદ આકાશ :-… Read more “આપણો શબ્દવૈભવ*”

નાગ પાંચમ કેમ મનાવવા માં આવે છે

images

શ્રાવણ મહિનો અને તહેવારો :-
આજથી નાગ પાંચમ થી શ્રાવણ મહિના ના તહેવારો ચાલુ થઇ ગયા। આદિ અનાદિ કાળ થી આપણે ઉજવતા આવ્યા છીએ પણ કદી એની પાછળ નું કારણ જાણવા મળ્યું નથી. મેં ઘણા લોકો પાસે થી જાણવા નો પ્રયત્ન કર્યો પણ સચોટ જવાબ મળ્યો નથી.
મારા માટે આ બધા તહેવારો કૈક ને કૈક કારણો સર અસ્તિત્વ માં આવ્યા હશે એવું મારુ પર્સનલ માનવું છે.

મારા મતે
નાગ પાંચમ કેમ મનાવવા માં આવે છે :-
પહેલા ના સમય માં બધા જાણે છે તેમ કોઈ મનોરંજન ના સાધન નહતા. લોકો આખો દિવસ ખેતર માં કે બીજે કામ કરી થાકી જતા માટે મેળા, ચોક ચર્ચા ,કથા વાર્તા , લોક ડાયરો , ભવાઈ , નાટક અસ્તિત્વ માં આવ્યું હશે ,

નાગ પાંચમ માટે મને લાગે છે કે શ્રાવણ મહિનો એટલે “વરસાદ ” ની જવાની , આ મહિના માં વરસાદ કમનીય રીતે ધરા પર વર્ષે છે. માટે સરીસૃપ જીવો ખાસ કરી ને સાપ , નાગ ના દર માં પાણી ભરાઈ જતું હોવા થી તે જમીન પર કે ખેતરો માં અને રહેવાસ ના વિસ્તારો માં આવી જાય છે.
પહેલા ના સમય માં મંદિરો ખાસ કરી ને ગામ ના નદી ની નજીક બનાવતા હતા માટે મંદિરો ની આસપાસ નાગ , સાપ ની અવર જવર ખાસ નજરે ચઢતી. માટે કોઈ દૈવી ચમત્કાર સમજી ને ગામ ના લોકો એ તેમને મંદિર માં ચઢાવતો પ્રસાદ જેમ કે કુલેર , દૂધ , ફૂલ ચઢાવવા નું ચાલુ કર્યું।.

બીજું કારણ એવું કહી શકાય કે પહેલા ના લોકો જેરી સાપ અને નાગ થી બહુ ડરતા હશે માટે અનાયાસે નુકશાન નહિ કરનાર સાપ કે નાગ નું પણ લોકો ભેગા મળી મારી નાખતા હશે માટે જીવ કલ્યાણ માટે કદાચ એ સમય ના પૂજારી કે મહન્તો એ લોકો ને સમજાવવા એમને “પૂજા વિધિ ” કરી પૂજનીય બનાવી દીધા હશે , અને સમય જતા એક રિવાજ બની ગયો જે વર્ષો થી ચાલતો આવે છે.

ઉપર નો મત મારો પોતા નો છે અને હું નાસ્તિક નથી પણ વર્ષો થી ચાલતા “રિવાજો ” પાછળ નું કારણ સમજવું પણ એટલું જ જરૂરી છે.
બીજું કોઈ તારણ તમારા ધ્યાન માં હોય તો ચોક્કસ જાણવાજૉ।

જોગેશ પટેલ ” અથાગ “

સત્ય આંખોમા છુપાઇ ગયુ ને જીભ પ્રેક્ટિકલ બની ગઇ

બધા ને નમ વિનંતી એક વાર જરુર વાંચશો…. ગમે તો આગણ મોક્લશો. *‘રજાચીઠ્ઠી’* ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા… Read more “સત્ય આંખોમા છુપાઇ ગયુ ને જીભ પ્રેક્ટિકલ બની ગઇ”

આજનું ભણતર મારી દૃષ્ટિ એ !!

​ફેબ્રુઆરી માસથી શહેરોના હોર્ડિંગ્સ ઉપર “ખાનગી શાળા” ની જાહેરાતોની વસંત ખીલશે. ”હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો ભેદ ન પારખી શકનારા સંચાલકો જાહેર ખબરો માટે નાણાં કોથળી છૂટી… Read more “આજનું ભણતર મારી દૃષ્ટિ એ !!”

આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે ?

કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે ? કમ્પ્યુટરના કાળઝાળ યુગમાં કકાનો સ્વાદ સુકકો થાતો જાય… Read more “આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે ?”